ગુડફ્રાઈડે
બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે.
રોમન લોકોમાં ક્રોસ પર લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા, એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખ્રિસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે
No comments:
Post a Comment