શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકન વખતે મોબાઈલ નહીં રાખી શકે
• મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર મોબાઈલનો દુરઉપયોગ થતો હોવાનું જણાતા નિર્ણય લેવાયો
નવગુજરાત સમય > અમદાવાદ
હાલમાં બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે મૂલ્યાંકન કામગીરીમાં જોડાયેલા શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનનો દુુરુપયોગ કરવામાં ન આવે તે માટે મૂલ્યાંકન કેન્દ્રો પર શિક્ષકો પોતાની પાસે મોબાઈલ ફોન રાખી શકશે નહીં. શિક્ષકે પોતાનો મોબાઈલ કેન્દ્ર નિયામક પાસે જમા કરાવવાનો રહેશે અને ત્યારબાદ જ તેઓ મૂલ્યાંકનની કામગીરીમાં જઈ શકશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. બોર્ડના નિર્ણયને શિક્ષક સંઘ દ્વારા પણ સમર્થન અપાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત બોર્ડના સભ્યોએ પણ આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા બોર્ડના ચેરમેનને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતોના પગલે તેમણે કેટલાક સુચનો માન્ય પણ રાખ્યા હતા. હાલમાં બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોના મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. પરંતુ રાજ્યમાં જે રીતે રોજેરોજ ગરમીનો પારો વધી રહ્યો છે તેને જોતા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં જતાં શિક્ષકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જેના લીધે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના સંવાહક અને પરીક્ષણ કામગીરી કરતા શિક્ષકોને અનુકુળ હોય તો કામગીરીનો સમય સવારનો કરી શકાશે. આ અંગે બોર્ડને રજૂઆત કરાયા બાદ બોર્ડ દ્વારા સુચના આપવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળે છે.
ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં ઘણા શિક્ષકોને પોતાના સેન્ટરથી ૧૦૦ કિ.મી. કરતા પણ વધુ દૂરના અંતરે મૂલ્યાંકન માટેના ઓર્ડર ઈશ્યુ થયા છે. જેના પગલે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પણ મહામંડળના પ્રમુખ પંકજ પટેલે રજૂઆત કરી હતી. જેમાં દૂરના કેન્દ્ર પર ચકાસણીના હુકમ થયા હોય અને જો નજીકમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ચાલતુ હોય અને તે શિક્ષક જવા માંગતો હોય તો તેને બોર્ડ દ્વારા નજીકના કેન્દ્રમાં ફેરફાર કરી અપાશે તેવું નક્કી કરાયું હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. જેના પગલે હાલમાં શિક્ષકોએ રાહતની લાગણી અનુભવી છે.
ઘણા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર મોબાઈલ ફોનનો દુુરુપયોગ થતો હોવાનું બોર્ડના ધ્યાન પર આવ્યું હતું. જેથી પેપર ચકાસણી સમય દરમિયાન શિક્ષક પોતાની પાસે મોબાઈલ ફોન રાખી શકશે નહીં તેવો નિર્ણય લેવાયો છે. જ્યારે શિક્ષક ઉત્તરવહી ચકાસણી માટે સેન્ટર પર જાય ત્યારે તેણે કેન્દ્ર નિયામક પાસે પોતાનો મોબાઈલ ફોન જમા કરાવી દેવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયા પછી તેને મોબાઈલ ફોન પરત આપી દેવાશે.આમ ઉત્તરવહી મૂલ્યાંકન વખતે શિક્ષકો પોતાની પાસે મોબાઈલ ફોન રાખી શકશે નહીં.
No comments:
Post a Comment